જૂના ત્રંબૌમાં રહેણાંક મકાનમાંથી 1.42 લાખનો દારૂ પકડાયો

રાપર, તાલુકાના જૂના ત્રંબૌ ગામમાં પોલીસે મોડી સાંજના અરસામાં રહેણાંક મકાનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. જો કે, આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો જિલ્લામાં ચાલતી દારૂની બદીને ડામવા માટે રેન્જ આઈ.જી.,પોલીસવડાની સૂચના મુજબ પૂર્વ બાતમીના આધારે રાપર પોલીસે ગામમાં જૈન સેનેટરીની બાજુમાં આવેલા મકાનમાં દરોડો પાડયો હતો. મકાનમાં જઈને તપાસ કરતાં વરંડામાંથી દારૂની બોટલો નીકળી પડી હતી. આ કાર્યવાહી દરમ્યાન અંગ્રેજી પ્રકારની દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો જપ્ત કરાઈ હતી. આરોપી અરવિંદસિંહ રાણુભા જાડેજા પોલીસને ચકમો આપી નાસી છૂટયો હતો. તેને પકડી પાડવા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ પકડાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.1,42,600 આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં રાપર પી.આઈ. એમ.એન. રાણા અને પોલીસ સ્ટાફ જોડાયો હતો.