શહેરમાં કારના કાચ તોડી તસ્કરીને અંજામ આપનારા 2 ઇસમોને ઝડપી પાડ્યા

ભુજમાં કારના કાચ તોડીને તસ્કરી કરવાના બનેલા અલગ અલગ બે બનાવોનો ભેદ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. જુની રાવલવાડી વિસ્તારમાં રહેતા બે તસ્કરોને મુદ્દામાલ સાથે પકડી પાડી એ ડિવિઝન પોલીસને આગળની તપાસ માટે સોંપ્યા છે. ગત 20મીના રાત્રિના અરસામાં શરદબાગના ગેટ પાસે સ્થાનિક મીડિયા સંચાલકની પાર્ક કરેલી કારના કાચ તોડી બેગમાંથી રૂપિયા 20 હજારનું લેપટોપ અને 10 હજાર રોકડની તસ્કરી થઇ હતી. તો, ગત 16મીના હિલગાર્ડન બહાર પાર્ક કરેલી માધાપરના સીઆરપીએફ જવાનની કારના કાચ તોડી રોકડ અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકિટ તસ્કરી કરી જવાનો બનાવ બન્યો હતો. આ બન્ને કેસમાં એલસીબીએ બાતમીના આધારે મુળ માંડવીના અને હાલ જુની રાવલવાડી ભુજ રહેતા મહેશ હિરજીભાઇ ફફલ (મહેશ્વરી) અને જુની રાવલવાડીમાં રહેતા વિનોદ મગનભાઇ એડીયા (મહેશ્વરી) નામના બે ઇસમોને મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં વ્યાયમશાળાના ગ્રાઉન્ડમાંથી પકડી પાડ્યા હતા. આરોપીઓની પુછતાછમાં તેમણે બે જગ્યાએ કારના કાચ તોડી તસ્કરીને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપતાં બન્ને આરોપીઓ પાસેથી ચોરાઉ લેપટોપ, બે મોબાઇલ અને મોટર સાયકલ મળી રૂપિયા 50,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો. બન્ને આરોપીઓ વિરૂધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી મુદામાલ સાથે સોંપ્યા હતા.