ખોરજ ડાભીમાં આવેલ કરિયાણાની દુકાનમાં તાળા તોડી તસ્કરી કરી

ખોરજ ડાભીમાં આવેલ એક કરિયાણાની દુકાનમાં તાળા તોડી તસ્કરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ખોરજ ડાભી ગામે કરિયાણા દુકાન ચલાવતા અર્જુનસિંહ જશુજી ડાભી પોતાની દુકાન રાત્રિના અરસામાં બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારે મોડી રાત્રિના અરસામાં ત્રાટકેલા તસ્કરો તેમની દુકાનના તાળા તોડી અંદરથી તસ્કરી કરી રહ્યા હતા. તે દરમ્યાન કોઈ ગ્રામજન રાત્રિના અરસામાં ગાડી લઈને ગામમાં પ્રવેશતા તેમણે દુકાન ખુલી જોતાં  તે તરફ ગયા હતા અને પોતાની ગાડી ઉભી રાખી હતી.ત્યારે કોઈ આવ્યું હોવાનું જણાતા જ ત્રણ તસ્કરો ગાડીમાં પલાયન થઈ ગયા હતા. ગ્રામજનોને દુકાનના માલિકને મોબાઈલથી ફોન કરીને જાણ કરતાં તેઓ દુકાનને દોડી આવ્યા હતા અને તજવીજ હાથ ધરતા દુકાનમાંથી તસ્કરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ગાડી લઈને આવેલા તસ્કરો દુકાનમાંથી અલગ અલગ વજનના તેલના ડબ્બા તથા અલગ અલગ વજનના ઘીના પાઉચ અને ખાંડની બોરી અને ખાંડના પેકેટો તેમજ રોકડ રૂપિયા 60,000 મળીને કુલ રૂપિયા 85,440 ની મુદામાલની તસ્કરી કરીને પલાયન થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરી અંગે તેઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને તેમને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.