જસદણના ભડલીમાં સીમ સેઢા બાબતે આધેડ પર ત્રણ શખ્સો દ્રારા લાકડી અને પાઇપ વડે હુમલો

રાજકોટ જસદણના ભડલી ગામે સીમ સેઢા બાબતે વિનોદભાઈ કોળી પર સેઢાપડોશી ત્રણ ઇસમોએ લાકડી અને પાઈપ વડે ફટકાર્યા હતા. જેને બચાવવા ગયેલ પુત્રી પર પણ આરોપીઓએ હુમલો કર્યાની ફરીયાદ જસદણ પોલીસમાં લખાવાઈ હતી. વધુમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ જસદણના ભડલી ગામે રહેતા વિનોદભાઈ મનજીભાઈ મકવાણા સાંજના અરસામાં તેની પત્ની દયાબેન તથા પુત્રી કીંજલ સાથે વાડીએ ગયા હતા. જયાં તેના સેઢાપાડોશી જગદીશ જેસા બારૈયા, રણજીત ભોળા બારૈયા અને રાહુલ ભોળા બારૈયા નામના ઇસમો વિનોદભાઈના સીમ હદમાં આવેલ વાળા કાઢતા હતા. જે બાબતે ફરીયાદી તેને સમજાવવા ગયેલ હતા કે અમારી હદની વાળ તમે કેમ કાઢો છો. જે બાબતે ત્રણેય ઈસમોએ ઉશ્કેરાઈ ગયા હતા. બાદમાં જગદીશભાઈએ ફરીયાદી પર ધારીયુ અને લાકડી વડે તુટી પડયા હતા. જેને બચાવવા તેની પુત્રી આવતા તેને પણ લાકડી વડે માર માર્યો હતો. જેમાં બન્ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવારમાં તાત્કાલીક જસદણની સીવીલમાં ખસેડવામાં આવેલ હતા. ફરીયાદના આધારે જસદણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કીરીટભાઈએ તજવીજ હાથ ધરીને ઇસમોને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.