જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા બાઈક ચાલકનું મૃત્યુ

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક બાવની નદીના પુલ ઉપર કારએ બાઇકને અડફેટ લેતાં ધ્રોલના બાઇકસવાર ખેડૂત આધેડનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન મોત થયું છે. પોલીસ દ્વારા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ધ્રોલમાં સન સીટી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ રત્નાભાઇ બોડા ઉ.વ.55 નામના ખેડૂત ગઈકાલે પોતાનું મોટરસાયકલ લઈને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પાસે આવેલી બાવની નદીના પુલ ઉપરથી પસાર થઇ રહયા હતા. જે દરમિયાન પાછળથી પુરપાટ વેગે આવી રહેલી જી.જે.-3 એમ.ઇ. 0158 નંબરની કારના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી અડફેટમાં લઇ લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં અશ્વિનભાઈ બોડાને ગંભીર ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેઓનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ બનાવ વિગત અનુસાર મૃતકના ભત્રીજા કિરીટભાઇ બોડાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પીએસઆઇ એમ.એન.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તજવીજ હાથ ધરી હતી. તેમજ કાર ચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી.