ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પાસે કંપની કર્મચારીઓ પર ધોકા વડે હુમલો

ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ ઉપર આવેલી વેદાન્તા કંપની પાસેથી એક મોટરકારમાં પોતાના ઘર તરફ જઈ રહેલા કંપનીના ચાર કર્મચારીઓના વાહનને ગત રાત્રિના અરસામાં ત્રણ ઇસમોએ અટકાવી, કોઈ કારણોસર માર માર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ફરિયાદ લખાવવામાં આવી છે. બનાવ સંદર્ભે મૂળ બિહાર રાજ્યના ચિરાયા તાલુકાના રહીશ અને પેટા કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર સુખદેવ ઠાકુર નામના કર્મચારીએ વાડીનારના રહીશ એવા આદિલ નામના ઈસમ ઉપરાંત અન્ય બે અજાણ્યા ઇસમો સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ લખાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત અનુસાર ફરિયાદી સુનિલકુમાર ઠાકુર તથા તેમની સાથે ઇલેક્ટ્રિક એન્જિનિયર સંજયકર, વિકાસ તેમજ રવીન્દ્રનાથ ગોસ્વામી નામના અધિકારીઓ ગુરૂવારે રાત્રીના અરસામાં ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર આવેલી વેદાન્તા કંપની પાસેથી તેમની નોકરીનો સમય પૂરો કરી અને જી.જે. 1 આર.એસ. 7047 નંબરનાની ઇક્કો મોટરકારમાં ખંભાળિયા પરત જઈ રહ્યા હતા. આ વાહન ગયેન્દ્રરાજ નામનો ચાલક ચલાવી રહ્યો હતો. તેઓને વેદાન્તા કંપનીના ગેટથી થોડે આગળ અટકાવી અને વાડીનારના આદિલ તથા અન્ય બે અજાણ્યા ઇસમોએ દરવાજો ખોલી ને પૂછ્યું હતું કે “વિકાસ સાહેબ કોણ છે?” પરંતુ એકપણ કર્મચારી એ જવાબ ન આપતા ઉશ્કેરાયેલા ઇસમોએ કારનો પાછળનો દરવાજો ખોલી અને લાકડાના ધોકા વડે કાર સવાર કર્મચારીઓને બેફામ માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઇસમોએ કારના કાચ તોડી નાખ્યા હતા. આ હુમલાના કારણે કારમાં જઈ રહેલા અધિકારી રવીન્દ્રનાથ ગોસ્વામીને લોહીલુહાણ હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને પાંચ ટાંકા આવ્યા હતા. બંને હાથમાં ફ્રેકચર ઉપરાંત વિકાસ નામના અન્ય એક કર્મચારીને પણ ડાબા હાથમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચતા બંનેને વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ફરિયાદી સુનિલકુમાર ઠાકુર તથા સંજયકરને પણ નાની મોટી ઈજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી. આરોપી ઇસમોએ જતાં-જતાં કહેલ કે- “ફરીવાર કંપનીમાં જતાં નહીં. નહીંતર જીવતા નહીં રહો” તેમ કહી, અને બે મોટરસાયકલમાં ધોકા સાથે નાસી ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય ઇસમો સામે આઈ.પી.સી. કલમ તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.