ગાંધીધામ તાલુકાના મીઠીરોહર પાસેથી રૂ.4 લાખની ટ્રેઈલરની ટ્રોલી ચોરનાર ઈસમ પકડાયો

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક ટાટાના શોરૂમ બહારથી રૂ.4 લાખની ટ્રેઈલરની ટ્રોલીની તસ્કરી થઈ હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરી એક ઈસમને ઝડપી લીધો હતો અને તેની પાસેથી આ ટ્રોલી કબ્જે કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નાસિકથી શિવપાલરામ હીરારામ ચૌધરી નામનો યુવાન લોખંડના સળિયા ભરી કંડલા બંદરે આવ્યો હતો. માલ ખાલી કર્યા બાદ તે મીઠીરોહર નજીક એ.વી.જોશી કંપનીની બાજુમાં આવેલા ટાટાના શોરૂમ ઉપર ગયો હતો. ટ્રેઈલર નંબર જીજે 12 બીએકસ 3390માં મરમંત કરાવવાની હોવાથી તેણે ટ્રેઈલરની કેબિન (હોર્ષ) શોરૂમમાં આપી હતી અને ટ્રેઈલરની ટ્રોલી શોરૂમની બહાર પડી હતી. રાત્રિના અરસા દરમ્યાન આ ટ્રોલીની કોઈ ઇસમોએ તસ્કરી કરી હતી. ગત રાત્રિના અરસા દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. જિલ્લાના ટોલનાકા ઉપર લાગેલા સીસીટીવીથી બચવા તસ્કરોએ આ ટ્રોલીની તસ્કરી કરી પોતાની કેબિન (હોર્ષ)માં આ ટ્રોલી જોડી દઈ બાદમાં ભચાઉ, રાપર, આડેસર, સુઈગામ, થરાદ, સાંચોર સુધી ચોર રસ્તેથી નીકળી ગયા હતા, પરંતુ રાજસ્થાનના એક ટોલ નાકા અંદરથી પસાર થતાં આ ઈસમના વાહન નંબર મળતાં તેના માલિકનો પતો લગાવાયો હતો અને ચુનારામ અચલારામ કોઈને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેઓએ તસ્કરીની આ ટ્રોલી બાડમેર રાજસ્થાનમાં છુપાવી હતી. ત્યાંથી આ ટ્રોલી પણ જપ્ત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પરસારામ મગારામ નામનો ઈસમ હજુ પકડમાં આવ્યો નથી. તેને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલ ઈસમ પાસેથી તસ્કરીમાં ગયેલી રૂ.4 લાખની ટ્રોલી તથા જીજે 12 બીડબલ્યુ 1598ની કેબિન, મોબાઈલ વગેરે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.