ભુજ તાલુકાના માધાપર ગામના એજન્ટે બે ગૃહિણી સાથે 91 હજારની છેતરપિંડી

ભુજ તાલુકાના માધાપર ગામના એજન્ટે બે ગૃહિણી સાથે કુલ રૂ.94,150ની રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયાનો મામલો પોલીસ દફ્તરે ફરિયાદના સ્વરૂપમાં ચડયો હતો. આ કિસ્સામાં કેસના ફરિયાદી તાલુકાના સુખપર ગામે રહેતા રેખાબેન કિરીટભાઇ મોઢે રૂ.59,100 અને તેમની સાથે રોકાણ કરનારા માધાપરની જલારામ સોસાયટી જૂનાવાસમાં રહેતા પુષ્પાબા વીરેન્દ્રાસિંહ જાડેજાએ રૂ.35,050 ની રકમ ગુમાવી છે. માધાપર પોલીસે આ મામલે પ્રયાસનિધિ લિમિટેડ ડેઇલી કલેકશન યોજનાના માધાપર ખાતે રહેતા એજન્ટ ધનંજય તુલસીદાસ ભાટિયા સામે કલમ મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદને ટાંકીને વિગતો આપતાં જણાવ્યું હતું કે ભોગ બનનારા રેખાબેનને આ રોકાણ યોજના વિશે પુષ્પાબા દ્વારા જણાવાયા બાદ તેઓ પણ રોકાણ કરવા તૈયાર થયા હતા. આ પછી આરોપી એજન્ટ માધાપરમાં ગોકુલધામ નવાવાસ ખાતે રહેતા ધનંજય ભાટિયાની માધાપરમાં ગાંધી ચકરાવા પાસે આવેલી રસકસની દુકાને તેઓ દર મહિને કે બે મહિને રકમ જમા કરાવતા હતા. આ રકમ ભુજના લક્ષ્મણભાઇ ગઢવી દ્વારા એકત્ર કરાતી હતી. આ દરમ્યાન પાસબુકમાં જમા રકમ વિશે એન્ટ્રી જોવા ન મળતાં અને લક્ષ્મણભાઇ પાસે તપાસ કરાવાતાં એજન્ટે રકમ જમા જ ન કરાવ્યાની વિગતો બહાર આવતાં અંતે આજે આ ફોજદારી નોંધવાઈ હતી. માધાપર પોલીસે પુરાવા એકત્ર કરવા સાથે કેસની આગળની તજવીજ હાથ ધરી છે.