કડી પોલીસે અમદાવાદમાંથી તસ્કરી થયેલા વાહનો સાથે શહેરી વિસ્તારમાંથી શખ્સને પકડી લીધો

કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અમદાવાદમાંથી તસ્કરી થયેલા વાહન સાથે શહેરી વિસ્તારમાંથી શખ્સને પકડી લીધો હતો. કડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પી.એસ.આઈ. એસ.બી.ધાસુરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન શહેરી વિસ્તારમાંથી ખાનગી બાતમીને આધારે અમદાવાદ શહેરમાં વાહન તસ્કરીના ગુનામાં સંડોવાયેલા શખ્સ રામી મયુર રમેશભાઇને તસ્કરીના વાહન સાથે પકડી લીધો હતો. કડી પોલીસની ટીમે શહેરી વિસ્તારમાંથી કરણનગર રોડ ઉપર આવેલા રાજદીપ સોસાયટીમાં રહેતા મયુર રમેશભાઇ સોમાભાઈ રામીને તસ્કરીની એક્ટિવા અને બાઈક સાથે પકડી લીધો હતો. આરોપીની પૂછતાછ કરતા તેણે એક્ટિવા વીસ દિવસ પહેલા અમદાવાદના સાળંગપુરમાંથી અને ત્રણેક મહીના પહેલા બાઈક ગીતામંદિર બસસ્ટેન્ડમાંથી ચોર્યું હોવાનું કબુલ્યું હતું. જેના ગુના કાગડાપીઠ અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં લખાવેલ છે. પોલીસે એક્ટિવા અને બાઈક મળી કુ.રૂ.20,000 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી હતી.