મહેસાણા શહેરમાં ઇકો ગાડીના સાયલેન્સર ચોરનાર 2 શખ્સો પકડાયા

મહેસાણા શહેરમાં ઈકોનુ સાયલેન્સર તસ્કરી કરતાં 2 ઇસમોને પકડી એલસીબીએ તાલુકા પોલીસના સાયલેન્સર તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. બાયપાસ ઉપર વડોસણ પાટીયા પાસેથી પકડાયેલા બંને ઇસમો પાસેથી રૂપિયા 37 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી કરી હતી. એલસીબી પીઆઈ એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી.ઝાલા, પીએસઆઈ એસ.ડી.રાતડા તેમજ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે બાયપાસ હાઈવે ઉપર વડોસણ પાટીયા પાસેથી એક્ટિવા, તસ્કરી કરેલુ સાયલેન્સર તેમજ સાયલેન્સર કાઢવા માટેના સાધનો સાથે 2 ઇસમોને પકડી પાડ્યા હતા. બંને ઇસમોની પૂછપરછ દરમિયાન સાયલેન્સર, ડીસમીસ, પાના સહિતની સાધનો તસ્કરીથી મેળવેલા હોવાની શંકા જતા પૂછપરછ દરમિયાન 3 માસ પહેલાં આરોપી સંજય ચૌધરીએ દિગ્વિજય વાઘેલાની ઈકોનું સાયલેન્સર કાઢી આરોપી સાહિલ હુસેનને આપતા સાહિલે સાયલેન્સરની માટી કાઢીને રૂપિયા 7 હજાર સંજય ચૌધરીને આપ્યાની કબૂલાત કરી હતી. તેથી બંને ઇસમોની ધરપકડ કરીને એલસીબીએ એક્ટિવા, સાયલેન્સર, મોબાઈલ, ડીસમીસ, પાના મળીને કુલ રૂ.37,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.