જામનગર નજીકના હડમતિયા ગામમાં કારમાં દારૂની હેરાફેરી ઝડપાઇ

જામનગર નજીકના હડમતિયા ગામે પંચકોષી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી મોડપર ગામના ઈસમને કાર સાથે આંતરી લીધો હતો. પોલીસે આ ઈસમની કારમાંથી બે પેટી દારૂ જપ્ત કરી પ્રાથમિક પુછપરછ કરી હતી. આ દારૂનો જથ્થો હડમતિયા ગામના ઇસમે સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. જામનગર નજીકના હડમતિયા ગામ પાસેથી એક ઈસમ વિદેશી દારૂની હેરાફેરી કરવાનો હોવાની પંચકોષી એ ડિવિઝનના કિશોરભાઇ ગાગીયાને ચોક્કસ હક્કિત મળી હતી. જેને લઇને પી.એસ.આઇ જે.કે.રાઠોડ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન હડમતિયા ગામેથી પોલીસે એક કારને આંતરી લીધી હતી. આ કારની તલાશી લેતા રૂા.12 હજારની કિંમતનો 24 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર, એક મોબાઇલ અને દારૂના જથ્થા સાથે ચાલક ચંદ્રેશ મોહનભાઇ ડાંગરીયા રહે.મોડપર વાળા ઈસમની અટક કરી પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમા આ દારૂનો જથ્થો હડમતિયા ગામના હરદેવસિંહ ઉર્ફે હરૂભા મનુભા જાડેજાવાળાએ સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઇને પોલીસે આ ઈસમને ફરાર જાહેર કરી બન્ને ઇસમો સામે પ્રોહિબિશન ધારા મુજબ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.