થરાદના રડકામાં તસ્કરો મંદિર અને 4 દુકાનમાંથી રૂ. 57 હજારની મત્તાની તસ્કરી 

થરાદના રડકા ગામે તસ્કરો 4 દુકાનો અને મંદિરમાં મળીને રૂ. 57 હજારની તસ્કરી જતાં થરાદ પોલીસે વધુ તજવીજ હાથ ધરી હતી. સણવાલ ગામના મુકેશભાઈ પ્રજાપતિ થરાદ તાલુકાના રડકા ગામે શ્રીકુળદેવી ઓટો પાર્ટ્સ એન્ડ ગેરેજ નામની બાઇક રીપેરીંગની દુકાન ધરાવે છે. જેમાં તપાસ કરતાં તેમની દુકાનમાંથી રિપેર કરવા માટે આવેલ તેમના મામાના દીકરા પીરાભાઈ કેશાભાઈ કુંભારનું જીજે-08-બીપી-2164 નંબરનું એકટીવા જોવા મળ્યું ન હતું. એકટીવાની ચાવી તેમની દુકાનમાં પડી હતી. જેની કિંમત રૂપિયા 50 હજારની અજાણ્યા ઇસમોએ તસ્કરી કરી હતી. જ્યારે રડકા ગામમાં આવેલ શ્રીરામદેવપીરના મંદિરની દાન પેટીમાંથી અંદાજિત 2,000 રૂપિયાની રોકડની તસ્કરી થવા પામી હતી. જ્યારે નર્મદા કેનાલ ઉપર આવેલ કરિયાણા તથા અનાજ દળવાની ઘંટી અને પંકચર કરવાની દુકાનનાં પણ તાળાં તુટ્યાં હતા. રડકાના પ્રકાશપુરી ચેનપુરી ગૌસ્વામીની દુકાનમાં પડેલ હાથમાં પહેરવાની ચાંદીની પોચી અને રોકડ રકમની તસ્કરી થવા પામી હતી. જ્યારે ગેરેજની નજીક રહેતા ભેમાભાઈ પટેલની એગ્રોની દુકાનના સીસીટીવી ફૂટેજ જોતાં બે ઇસમો એક્ટીવા તસ્કરી કરીને લઇ જતા જણાયા હતા. આ અંગે થરાદ પોલીસે કુલ 57 હજારની કિંમતની તસ્કરી કરવા બદલ અજાણ્યા બે ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.