લોખંડી સુરક્ષા ધરાવતા ગિફ્ટ સિટીમાંથી 22 હજારની તસ્કરી

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ટુ વ્હીલર લઇને જવુ હોય તો પણ હેલ્મેટ ફરજિયાત પહેરવુ પડે છે. જ્યારે સમગ્ર ગિફ્ટ સિટીમા લોખંડી સુરક્ષા ગોઠવવામા આવી છે. તેમ છતા કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની પાછળ મુકવામા આવેલા કન્ટેનરની લોખંડની ગ્રીલ અને બારી તોડીને તેમા મુકવામા આવેલા 3 લોનમુવર મશીનની તસ્કરી થવા પામી છે. આ બાબતની ફરિયાદ ડભોડા પોલીસ સ્ટેશનમા કરાતા તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર જીજ્ઞેશ ધીરુભાઇ મેળકીયા (રહે, રાયસણ) ગિફ્ટ સિટીમાં આવેલા ઇપીએસ બિલ્ડીંગમા હોર્ટીકલ્ચર ડીપાર્ટમેન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેના હાથ નીચે 140 માણસો ગિફ્ટી સિટીમાં કામગીરી કરી રહ્યા છે. ગત રોજ ગાર્ડનનુ કામ કરતા અનિલ ઠાકોર અને ગણપત બિહોલા ત્રણ લોનમુવર મશીનને વાયર સાથે કન્ટેનરની અંદર મુકી લોક મારીને નિકળી ગયા હતા અને તેની ચાવી સુપરવાઇઝર ભરતસિંહ બિહોલાને આપી હતી. જ્યારે રાબેતા મુજબ સવારના અરસામાં ગાર્ડનનુ કામ કરતા બંને કર્મચારી કન્ટેનરનુ લોક ખોલીને લોનમુવર અને અન્ય સામાન લેવા ગયા હતા. પરંતુ મશીન અને વાયર જોવા મળ્યા ન હતા. આ બાબતની જાણ સુપરવાઇઝર દ્વારા મેનેજરને કરાઈ હતી. તે સમયે કન્ટેનરમા લગાવેલી લોખંડની ગ્રીલ તુટેલી જોવા મળી હતી, જ્યારે બારીના કાચ પણ તુટેલી હાલતમા જોવા મળ્યા હતા.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.