અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી તસ્કરોએ રૂ.20,000ના વાયરની તસ્કરી

અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી તસ્કરોએ રૂ.20,000 ના 125 મીટર વાયરની તસ્કરી કરી હતી. ટપ્પર ગામની સીમના સર્વે નંબર 140/02માં મુકેશ ઠક્કરની વાડી આવેલી છે. આ વાડીમાં મૂળ પલાંસવાના સુનીલ મોહન અખિયાણી (કોળી) અને’ તેમનું કુટુંબ મજૂરીકામ કરે છે અને વાડીએ જ રહે છે. આ ફરિયાદી સુનીલને કામ હોવાથી ગત તા. 2-2ના તે પોતાના કુટુંબ સાથે ગામડે ગયો હતો. કામ પતાવીને આજે પરત વાડીએ આવતાં વાડીમાં તસ્કરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ વાડીથી ટપ્પર ડેમમાં મોટર સાથે જોડાયેલા વાયરની તસ્કરોએ તસ્કરી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ વાડીમાં આવેલો કોપર બનાવટનો ત્રણ કોર અને 6 એમ.એમ.નો 125 મીટર વાયર કિંમત રૂ.20,000ની તસ્કરોએ તસ્કરી કરી હતી. દુધઇ પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.