એજન્સી આપવાના નામે અંજારના વેપારી સાથે 2.35 લાખની છેતરપિંડી

અંજારના વેપારી પાસેથી એજન્સી આપવાના બહાને રૂ. 2.35 લાખ મેળવી એજન્સી ન આપી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઇ છે. મેઘપર-કું.માં રહેતા 35 વર્ષીય મહેશ કેશાભાઈ વાવીયા (પટેલ)ની ફરિયાદને ટાંકીને મળતી માહિતી અનુસાર તેમણે તેમના મોબાઈલમાં રિવોલ્ટ મોટર સર્ચ કરી માહિતી મેળવી એજન્સી લેવાનો વિચાર થતા ઓનલાઈન માહિતી ભરી હતી. જે બાદ એક ફોન આવ્યો હતો અને ગાંધીધામની એજન્સી મેળવવા રૂ.35 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ બીજી વખત ફોન કરી 20 વર્ષના કોન્ટ્રાક્ટના રૂ.2 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહેતા ફરીયાદીએ તે પણ કરી આપ્યા હતા. પરંતુ એજન્સી ન આપતા વેપારીને શક ગયો હતો અને દિલ્હી રૂબરૂ જઈ કંપનીમાં તપાસ કરતા તેમના સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતા ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.