રાજકોટ શહેરના રામનાથપરા જમાતખાનામાં 1.52 લાખની તસ્કરી

રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં સમાજની વાડીમાં તસ્કરી થઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રામનાથપરામાં રહેતા અને ગામડાં મુસ્લિમ સિપાઇ જમાતખાનાના સભ્ય મજિદભાઇ રજાકભાઇ સમાએ લખાવેલી ફરિયાદ અનુસાર સવારના અરસામાં જમાતખાનાની ઓફિસના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. જેથી ઓફિસમાં જઇ તપાસ કરતા ટેબલના ખાનામાં રાખેલા તાજિયાના ફાળામાં આવેલા રૂ.35 હજાર અને જમાતખાનાના ભાડાના તેમજ વાસણ ભાડાના રૂ.1.17 લાખ મળી કુલ રૂ.1.52 લાખની રોકડની તસ્કરી થઇ હતી. ટેબલના ખાનાની ચાવી ઓફિસમાં ત્યાં જ ટીંગાડીને રાખી હોય તસ્કરે આસાનીથી તસ્કરી કરી હતી. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને કરતા પીઆઇ સી.જી.જોષી સહિતનો સ્ટાફ રામનાથપરા દોડી ગયા હતા. અને જમાતખાના આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં એક ઈસમ જોવા મળતા વર્ણનના આધારે તપાસ શરૂ કરી એક ઈસમને સકંજામાં લઇ લીધો છે. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી તસ્કરીનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે.