વડોદરામાં લગ્નપ્રસંગે ગયેલા પોલીસ કર્મચારીના બંધ મકાનમાં તસ્કરી

વડોદરામાં લગ્ન પ્રંસગે વતન સાવલી ગયેલા પોલીસ કર્મચારીના બંધ ઘરમાંથી ચોર ટોળકી સોનાના સાત તોલાના  દાગીના અને ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા ૨.૯૨ લાખની મત્તા તસ્કરી થઈ હતી. જે અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ લખાવાઈ છે. સાવલી તાલુકાના ઝવેરપુરા ગામે રહેતા અને હાલમાં માંજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતા સંજય શાંતિલાલ  પરમાર મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી એલમેક્સ પ્રા.લિ.કંપનીમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે. તેના પિતા શાંતિલાલ ભયજીભાઇ પરમાર પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ.એસ.આઇ.તરીકે નોકરી કરે છે. સાવલીમાં સંબંધીના ઘરે લગ્નપ્રસંગ હોઇ ગત તા.૪ થી એ પરિવાર લગ્નમાં ગયો હતો. ગઇકાલે પાડોશીએ ફોન કરીને જાણ કરી હતી કે,તમારા ઘરનું તાળું તૂટેલું છે. જેથી,પરિવાર પરત આવ્યો હતો. ચોર ટોળકીએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને તસ્કરી કરી હતી. ઘરમાં તપાસ કરતા ચોર ટોળકી સોનાના સાત તોલાના  દાગીના અને ચાંદીના દાગીના મળીને કુલ  રૂપિયા ૨.૯૨ લાખની તસ્કરી કરી લઈ ગયા હતા.પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.