દરજી કામની આડમાં વિદેશી શરાબ વેચતો આરોપી ઝડપાયો

વડોદરા,વોર્ડ- ૨ ની ઓફિસ નજીક દરજી કામની આડમાં વિદેશી શરાબનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે પકડી લીધો છે. જ્યારે અન્ય એક બનાવમાં વારસિયા પોલીસે બે આરોપીઓને શરાબ સાથે પકડી પાડ્યા છે. વારસિયા પોલીસનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,હરણીરોડ ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે એક આરોપી સ્કૂટર પર વિદેશી શરાબની બોટલ લઇને ઉભો છે. પોલીસે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આરોપી સંજય કાળીદાસ ચૌહાણ મળી આવ્યો હતો.તેની બાઇકની ડીકીમાંથી પોલીસને વિદેશી શરાબની બોટલ અને ટેટ્રા પેક મળી આવ્યા હતા. શરાબનો જથ્થો તે રાજીવનગરના મિતેશ ધોબી પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે મિતેશ ધોબીના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો.પરંતુ,તેના ઘરે મહંમદ સલીમ ઉર્ફે મુસ્તાક સદરૃદ્દીન શેખ મલી આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શરાબની ૩૨ બોટલ, ૧૫ ટીન, ૮૩ નાની બોટલ, મળી કુલ રૂપિયા ૨૯,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે સંજય સામે અલગથી ગુનો દાખલ કર્યો છે. તેની પાસેથી પોલીસને શરાબની ૯ બોટલ મળી આવી હતી.પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વોર્ડ નંબર-૨ ની ઓફિસ સામે સમૃદ્ધિ કોમ્પલેક્સની દુકાનમાં આશીર્વાદ ટેલર વાળો ઇશ્વર ફતેસિંહ પરદેશી દરજી કામની આડમાં વિદેશી શરાબનું વેચાણ કરે છે.તેણે પોતાના ઘરમાં પણ શરાબનો જથ્થો સંતાડી રાખ્યો છે. પોલીસે ઉપરોક્ત દુકાનમાં તપાસ કરતા વિદેશી શરાબની ૭ બોટલ મળી આવી હતી. તેના ઘરેથી પોલીસને શરાબની બોટલો, ટેટ્રા પાઉચ, અને ટીન મળી આવ્યા હતા. આ શરાબનો જથ્થો વારસિયના ટેકુ પાસેથી લાવ્યો હોવાની તેણે કબૂલાત કરતા પોલીસે ટેકુને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.