જામનગરની એકથી વધુ ઘરફોડ તસ્કરીમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો

જામનગરના પંચ બી પોલીસ સ્ટેશનના એકથી વધુ ઘરફોડ તસ્કરીના ગુનામાં સંડોવાયેલો છેલ્લા બાર વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા એક પરપ્રાંતિય આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ધ્રોલના દેડકદળ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. જેનો કબજો સ્થાનિક પોલીસે સંભાળીને સધન પુછપરછ સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરના પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગત વર્ષ 2010માં નો઼ધાયેલા એકથી વઘુ ઘરફોડ તસ્કરીના ગુનામાં પોલીસ તપાસ વેળાએ નરસિંહ ઉર્ફે નરશી ઉર્ફે નરસિંગ નામના પરપ્રાંતિય ઈસમની સંડોવણી ખુલી હતી.જે ઈસમ છેલ્લા બારેક વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો રહયો હતો. જે દરમિયાન એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ બી.એમ. દેવમુરારીના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે વેળાએ પોલીસ ટુકડીને બાતમીદારોની મદદથી ચોકકસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટુકડી દેડકદળ બસ સ્ટેન્ડ પાસે ત્વરીત દોડી ગઇ હતી. જયાં વોચ ગોઠવીને નાસતા ફરતા આરોપી નરસિંહ ઉર્ફે નરશી ઉર્ફે નરસિંગ રામાભાઇ સંગાડીયાને સકંજામાં લીઘો હતો. જે નાસતા ફરતા આરોપીને જરૂરી પ્રક્રિયા કાર્યવાહી બાદ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સુપરત કરાયો હતો. ઝડપાયેલો આરોપી અગાઉ લૂંટ જેવા ગંભીર ગુનામાં પણ સંડોવાઇ હોવાનુ પ્રાથમિક પોલીસ તપાસમાં જણાઇ આવ્યુ હતુ.