ગોલ્ડન ચોકડી નજીક નેશનલ હાઇવે પર એક બાઇકને આઇસર ટેમ્પોએ ટક્કર મારતા બાજવાના યુવાનનું મૃત્યુ

વડોદરા, ગોલ્ડન ચોકડી નજીક નેશનલ હાઇવે પર એક બાઇકને આઇસર ટેમ્પોએ ટક્કર મારતા બાજવાના યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું  હતું. આ અંગેની વિગત એવી છે કે બાજવામાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સચિન ભટુભાઇ બોરસે સિક્યુરિટિ ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેનો પિતરાઇભાઇ નીતિન મોહનભાઇ બોરસે(ઉ.વ.૩૦) બપોરના અરસામાં પોતાના ઘેરથી નીકળી બાઇક પર સુરત જિલ્લાના કિમ ખાતે ફોઇના ઘેર જવા માટે નીકળ્યો હતો. નીતિન ગોલ્ડનચોકડીથી આજવાચોકડી તરફ જતો હતો. ત્યારે એક આઇસર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા નીતિન રોડ પર પટકાયો હતો. અકસ્માત બાદ આઇસર લઇને ચાલક પલાયન થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત નીતિનને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.