વડોદરામાં સામાજિક પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિતની મત્તા ઉઠાવી ગયા

વડોદરા, હરણીરોડ પર સ્વાદ ક્વાટર્સના મકાનમાં સામાજિક પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિતની મત્તાની તસ્કરી કરી ગયા હતાં. આ અંગેની વિગત એવી છે કે સ્વાદ ક્વાટર્સમાં રહેતા રણજીત રમણભાઇ ચૌહાણ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમના ભત્રીજાનું લગ્ન વતન સુખલીપુરા ખાતે હોવાથી તેઓ ઘર બંધ કરીને પરિવારના સભ્યો સાથે તા.૪ના રોજ વતનમાં ગયા હતાં. ગઇકાલના અરસામાં તેમના પાડોશીએ તેમને ફોન કરીને જણાવેલ કે તમારા ઘેર તસ્કરી થઇ  હોવાનું જણાય છે. રણજીતભાઇ તુરંત જ ઘેર આવ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકુચો કાપેલો જણાયો હતો. તેમજ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર મૂકેલી તિજોરીના દરવાજા તૂટેલા હતાં. તિજોરીમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના, ઘડિયાળ મળી કુલ રૂ.૧.૩૦ લાખની મત્તાની તસ્કરી થઇ હોવાનું જણાયું હતું. આ અંગે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.