મિત્રના લગ્નમાંથી પરત ફરતા બે મિત્રને કાર ચાલકે અડફેટમાં લેતાં એકનું મૃત્યુ

સુરત, માંડવીમાં મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત આવતી વખતે મોપેડ સવાર બે મિત્રોને દીપલી ગામ પાસે અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા આભવાના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ઉચ્છલ ખાતે નારાયણપુર ગામમાં રહેતો 27 વર્ષીય સુરેશ જગુભાઈ ગામીત લાઈટીંગ ડેકોરેશનનો ધંધો કરે છે. બપોરના અરસામાં સુરેશ તેના મિત્ર સપનેલ સાથે પોતાની મોપેડ ઉપર ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે હજીરા-સચીન હાઈવે દિપલીગામથી આગળ, માર્બલના ગોડાઉન પાસે અજાણ્યા કાર ચાલકે તેમને પાછળથી અડફેટે લીધા હતા. મોપેડને ટક્કર લાગતા બંને હવામાં ફંગોળાયા હતા અને નીચે પટકાયા હતા. મિત્ર સપનેલને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. સપનેલ પોતે આભવા ગામમાં ગણેશ મહોલ્લામાં રહેતો હતો. અને સિટીલાઈટ ખાતે કપડાની દુકાનમાં નોકરી કરતો હતો. સપનેલ માંડવીમાં તેના ગામમાં રહેતા મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. સપનેલ મિત્રના લગ્નમાં સુરેશની મોપેડ ઉપર તેને પણ સાથે લઈને ગયો હતો. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને બંને મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સપનેલ મોપેડ ચલાવતો હતો અને સુરેશ પાછળ બેસીને ફોન ઉપર વાત કરતો હતો. અજાણ્યો કાર ચાલક ટક્કર મારી ભાગી ગયો પણ પાછળ આવી રહેલા બીજા કાર ચાલકે સપનેલને તેની કારમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સચીન જીઆઈડીસી પોલીસે આ અંગે વધારે તજવીજ હાથ ધરી છે.