ગઢશીશા પંથકમાં બાઇકની તસ્કરી કરનારો સગીર અને વાડીમાંથી વાયર ચોરનારો વેકરાવાસીને ઝડપી પાડ્યો

ભુજ, માંડવી તાલુકાનાં ગઢશીશા વિસ્તારમાં બાઇકની ચોરી કરનારા સગીર વયના છોકરા અને મઉં ગામની સીમમાં વાડીમાંથી વાયરની તસ્કરી કરનારા વેકરાના અરાવિંદ રમજુ ઉર્ફે રમેશ કોળીને ગઢશીશા પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસદળની સ્થાનિક ગુનાશોધક શાખાએ ભુજ તાલુકાનાં કુનરિયા ગામના ઇબ્રાહીમ મામદ નોડેને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર ગઢશીશા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વેકરા ગામે યક્ષમંદિર પાસેથી સગીર વયના છોકરાને ચોરાઉ બાઇક સાથે ઝડપાયો હતો. આ બાઇક ગઢ પોલીસની હદમાંથી તસ્કરી કરી હતી. આ સગીરની પૂછતાછમાં મઉં ગામની વાડીમાંથી કેબલ વાયર ચોરનારા વેકરાના અરાવિંદ રમજુ ઉર્ફે રમેશ કોળી સુધી પગેરું પહોંચ્યા બાદ તેને પણ ઉઠાવી લેવાયો હતો. ગઢશીશા પોલીસે ચોરાઉ બાઇક તથા કેબલ વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો. કેબલ વાયરની ચોરી મઉં ગામની સીમમાં વાડીમાંથી ચોરાયાની વિગતો બહાર આવી હતી. આ કાર્યવાહીમાં કાર્યકારી પોલીસ ઇન્સ્પેકટર આર.સી. ગોહિલ સાથે સ્ટાફના હરિભાઇ ડોડિયા, પ્રદ્યુમનાસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. જ્યારે પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ભુજ-લોરિયા માર્ગને અડીને આવેલાં કુનરિયા ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી કુનરિયા ગામના ઇબ્રાહીમ મામદ નોડેને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો. નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇક સાથે આરોપી મળ્યા બાદ આ ભેદ ઉકેલાયો હતો.