દશેલાની આંગણવાડીમાં ગૅસના બાટલાની તસ્કરી

ગાંધીનગર દશેલા ગામમા આવેલી આંગણવાડીનુ તાળુ તોડી અંદર રહેલા ગેસના બાટલાની તસ્કરી કરી અજાણ્યો તસ્કર ફરાર થઇ ગયો હતો. જેની ફરિયાદ ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાતા તજવીજ હાથ ધરી હતી. થોડા મહિના પહેલા મગોડી ગામમા આવેલી આંગણવાડીમાંથી પણ ગેસના બાટલાની તસ્કરી થઇ હતી. સોનલબેન રજનીકાંત પરમાર (રહે, દશેલા ગામ) ગામમા આવેલી આંગણવાડી નંબર 1મા છેલ્લા ત્રણ વર્ષ કરતા વધારે સમયથી કાર્યકર તરીકે નોકરી કરે છે. જ્યારે તેડાગર તરીકે ગીતાબેન વાળંદ ફરજ બજાવે છે. ત્યારે હાલમા કોરોનાને કારણે આંગણવાડી બંધ રાખવામા આવે છે. પરંતુ ભૂલકાઓ માટે સુખડી તૈયાર કરીને ઘરે મોકલી આપે છે. જેને લઇને સોનલબેન અને ગીતાબેન આગણવાડીમાં ગયા હતા. ત્યારે ઓફિસને જોતા દરવાજાને મારવામા આવેલુ તાળુ નીચે પડેલુ જોવા મળ્યુ હતુ. જેને લઇને અંદર જઇને જોતા કેટલીક ચીજવસ્તુઓ બરાબર હતી. પરંતુ એક બે ગેસના બાટલામાંથી એક જોવા મળ્યો ન હતો. જેને લઇને અજાણ્યા ઈસમ સામે 2 હજારની કિંમતનો બાટલો તસ્કરી કરી જવા સામે ચિલોડા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.