રાપર તાલુકાના ડાભુંડામાં રહેણાંક મકાનમાંથી દારૂ સાથે ઈસમની અટક

રાપર તાલુકાના ડાભુંડા ગામમાં રહેણાંક મકાનમાંથી પોલીસે અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થા સાથે પોલીસે ઈસમની અટક કરી હતી. આ મામલે બે જણા સામે ગુનો દર્જ કરાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર રાપર પોલીસે ડાભુંડા ગામમાં બપોરના અરસામાં કાર્યવાહી કરી હતી. રહેણાંક મકાનમાં દારૂનું વેંચાણ થતું હોવાની બાતમી મળી હતી. આરોપી અજુભા કરશનજી રાઠોડ રહેણાંક મકાનની આગળ રહેલી કરીયાણાની દુકાનમાં બેઠો હતો. તેના ઘરમાં જઈને તપાસ કરતા દારૂની બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન અંગ્રેજી પ્રકારની દારૂની જુદી જુદી બ્રાન્ડની 74 નંગ બોટલો, 165 નંગ કવાટરીયા અને બીયરના 24 નંગ ટીન સહીત રૂ.44 હજારની કીમતનો દારૂ જપ્ત કરાયો હતો. આરોપીએ ડાભુંડાના જયપાલસિંહ ગંભીરસિંહ સોઢા પાસેથી દારૂ લીધો હોવાની કેફીયત આપી હતી. પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો. આ કામગીરીમાં પી.એસ.આઈ. વી.એલ. પરમાર રાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.