માણસા શહેરમાં આવેલા ચારવડ વિસ્તારની ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડનારો ઝડપાયો

માણસા શહેરમાં આવેલા ચારવડ વિસ્તારની ખુલ્લી જગ્યામાં સાંજના અરસામાં ગોજારીયા ગામનો એક યુવક વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી આધારે માણસા પોલીસે દરોડો પાડી આ શખ્સને 2370 ના મુદ્દામાલ સાથે પકડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના અરસામાં માણસા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી હકીકત મળી હતી કે, શહેરમાં આવેલ ચારવડ પાસેની ખુલ્લી જગ્યામાં બેસી એક શખ્સ પોતાના અંગત આર્થિક લાભ સારું ગેરકાયદેસર રીતે વરલી મટકાનો આંક ફરકનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં ખુલ્લી જગ્યામાં બેસી વરલી મટકાનો જુગાર લખતો અને દોઢ માસ અગાઉ આજ જગ્યા પર બેસી વરલી મટકાનો જુગાર રમતા પકડાયેલો મહેશ નીતિનભાઈ દવેને રંગેહાથ પકડી તેની અંગઝડતી કરતા તેના પાસેથી 2,370 રૂપિયાની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય મળી આવતા મુદ્દામાલ જપ્ત કરી આ વરલી મટકાના આંકડા આગળ ક્યાં લખાવતો હતો. દરમિયાન આ બાબતે પોલીસે પૂછતાં તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.