આડેસર ખાતેથી ચોરાઉ મનાતા 23 મોબાઇલ સાથે બે શખ્સો પકડાયા

ગાંધીધામ, આડેસર પોલીસે ગામમાંથી 23 તસ્કરીના શંકાસ્પદ મોબાઇલ સાથે બે ઈસમને ઝડપી લીધા હતા. આ ઇસમો પાસેથી રૂ.1,15,000ના મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતા. આડેસર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ તસ્કરીના બનાવો વધ્યા હતા. મોબાઇલની તસ્કરી કરનારા આવા ઇસમોને ઝડપી પાડવા પોલીસે કમર કસી હતી. દરમ્યાન, પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે એકલધાર આડેસરના રમેશ દેવા કોળી (ગોહિલ) તથા ટગાના અહેમદ નજર મામદ હિંગોરજાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઇસમો પાસેથી જુદી-જુદી કંપનીના 23 મોબાઇલ મળી આવ્યા હતા. જે અંગે આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યા નહોતા. દરમ્યાન પોલીસે બંનેની કડક પૂછપરછ હાથ ધરી હતી અને આ બંને પાસેથી વીવો કંપનીના 8, રીઅલમી કંપનીના 6, રેડમી કંપનીના 3, ઓપ્પોના 3, ઇન્ફીનિક્સ કંપનીના 2 અને ટેકનો કંપનીનો 1 એમ કુલ રૂ.1,15,000ના 23 મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસની તપાસ દરમ્યાન આ 23 પૈકી 8-10 મોબાઇલના સાચા માલિકના નામ બહાર આવી ગયા હોવાનું પી.એસ.આઇ. બી. જી. રાવલે જણાવ્યું હતું. આ ઇસમોએ અન્ય કોઇ બનાવને અંજામ આપ્યો છે કે નહીં તેની આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.