ગાંધીધામમાં અંબાજી મંદિર ત્રણ રસ્તા પાસે એક યુવાનના હાથમાંથી બે શખ્સોએ રૂ. 10,000 ના મોબાઈલની ચીલઝડપ કરી

mobile-snatching-1

copy image

ગાંધીધામ શહેરના ઓસ્લોથી લવ ગાર્ડન તરફ અંબાજી મંદિર ત્રણ રસ્તા પાસે એક યુવાનના હાથમાંથી બે ઇસમોએ રૂ.10,000ના મોબાઈલની ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. આ શહેર અને સંકુલમાં પર્સ, ચેઈન, મોબાઈલની ચિલઝડપ કરનારા ઇસમોએ રીતસરનો આતંક મચાવ્યો છે. શહેરના સેકટર-3માં અંબાજી મંદિર પાસે રહેતા તથા વરસાણાની સુમિલોન કંપનીમાં અજમાયર ઈજનેર તરીકે કામ કરતા માનવેન્દ્રસિંઘ પદમસિંહ ઠાકુર નામના યુવાને આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદી અને તેનો રૂમ પાર્ટનર કિરણ ગોસાવી  રાત્રિના અરસામાં ઓસ્લો બાજુ જમવા ગયા હતા. આ બંને જમીને પરત પોતાની રૂમ ઉપર જઈ રહ્યાં હતા. તેવામાં ફરિયાદી પોતાની માતા સાથે મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો. આ બંને અંબાજી મંદિર ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા. ત્યારે પાછળથી એક બાઈક આવ્યું હતું. જેમાં બે ઇસમો સવાર હતા.  આ ઇસમોએ યુવાનના હાથમાંથી રૂ.10,000 ના મોબાઈલની ચિલઝડપ કરીને નાસી છૂટ્યા હતા. ફરિયાદી અને તેના મિત્રએ આ ઇસમોનો દોડીને પીછો કર્યો હતો. પરંતુ આ ઇસમો પળવારમાં અંધારામાં ઓઝલ થઈ ગયા હતા. પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.