કોટડા અને મથલ વચ્ચેના આશ્રમથી બે કિલો ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પડાયા

નખત્રાણા તાલુકામાં કોટડા (જડોદર) થી મથલ ગામ તરફ જતા માર્ગે આવેલા હરિહર આશ્રમ ખાતે બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક પોલીસે રૂ.20 હજારની કિંમતના કેફી દ્રવ્ય ગાંજાના બે કિલો જથ્થા સાથે આશ્રમના સંચાલક સહિત બે ઇસમોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર હરિહર આશ્રમ મથલના નાનજીભાઇ બાલાભાઇ કોચરા ઉર્ફે નાગનાથ બાપુ તથા નખત્રાણાના ભીમજી જખુ શેખવા (ગરવા)ને આ કિસ્સામાં ઝડપાયા હતા. આ બન્નેના કબ્જામાંથી માદક પદાર્થ ગાંજાનો બે કિલો જથ્થો તથા બે મોબાઇલ ફોન જપ્ત કરાયા હતા. નખત્રાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર બી.એમ.ચૈધરી સાથે સ્ટાફના સભ્યોએ હેડ કોન્સ્ટેબલ વિકાસ ચૈધરીને મળેલી બાતમીના આધારે આ દરોડાની કાર્યવાહી આશ્રમ ખાતે કરી હતી. બન્ને આરોપી સામે કેફી દ્રવ્ય ધારા તળે ગુનો નોંધાયો હતો. પોલીસની આગળની તપાસમાં ગાંજાનો જથ્થો કયાંથી આવ્યો તેના સહિતની વિગતો ઝડપાયેલા તહોમતદારોની પૂછતાછમાં બહાર આવવાની સંભાવના જોવાઇ રહી છે.