માણસા પાસેના ધમેડા ગામે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા 9 સાગરીતો પકડાયા

માણસા પાસેના ધમેડા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં 9 સાગરીતો પકડાયા હતા. માણસા પોલીસે દરોડો પાડીને 15,230 રૂપિયા કબ્જે કરીને તમામ સામે ગુનો દાખલ કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માણસા પોલીસ મથકના એ.એસ.આઈ મુકેશસિંહને ચોક્કસ પાકી બાતમી મળી હતી કે ધમેડા ગામે ટીંબા વાસમાં રહેતા ભરતજી ભુપતજી ઠાકોરના ઘર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે રાત્રિના અરસામાં દરોડો પાડતા થાંભલાના અજવાળા નીચે કેટલાક લોકો કુંડાળું વળી જુગાર રમી રહ્યાં હતા. પોલીસે કોર્ડન કરીને તમામ લોકોને પકડી લીધા હતા. જેઓના નામ પૂછતાં તેઓ ધમેડા ગામના જ સુરેશ મોતીજી રાઠોડ, ભરત ભુપતજી ઠાકોર, સંજય રાણાજી રાઠોડ, સંજય વિનાજી ઠાકોર, રણજીત ગલાજી ઠાકોર, અશોક કરશનભાઈ સેનમા, કરણ કરશનજી ઠાકોર, પુનમ કરશનભાઈ સેનમા અને સોમાજી કાનાજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેઓની અંગજડતી કરતા 13,600 રોકડા તેમજ દાવ પરથી 1630 મળી કુલ 15,230 રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા કબ્જે કરીને તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ તજવીજ હાથ ધરી હતી.