જૂનાગઢના વેપારીને ઇ-બાઇકની ડિલરશીપ આપવાનાં નામે અજાણ્યા ઇસમે 98 હજારની છેતરપિંડી કરી

જૂનાગઢમાં રહેતા એક વેપારીને ઇલેક્ટ્રિક બાઈકની ડિલરશિપ અપાવી દેવાના નામે અજાણ્યાં ઈસમ વિશ્વાસમાં લઇ રૂ.98 હજારની રકમ ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી આચર્યાની ફરિયાદ થતા સાયબર પોલીસે અજાણ્યાં ઈસમ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના તળાવ દરવાજા પાસે આવેલા રોયલ પાર્ક એ-403 માં રહેતા અને દોલતપરામાં શીંગદાણાનું કારખાનું ધરાવતા કિરીટભાઈ વિરમભાઈ નંદાણીયાને ઇલેક્ટ્રિકબાઇકની ડિલરશીપ લેવી હોવાથી તેઓએ ઓનલાઇન વેબસાઈટ પર એક અરજી કરી હતી. બાદમાં ગત તા.12-5-2021 ના સવારના અરસામાં તેઓને એક ફોન આવ્યો હતો. જેમાં સામેથી હિન્દી બોલતા ઈસમ સિમ્પલ એનર્જી બેંગ્લોર ખાતેથી વાત કરતો હોવાની ઓળખાણ આપી પોતાનું નામ શાંતનું ગુપ્તા હોવાનુ જણાવ્યુ હતુ. તમે ડિલરશીપ માટે કરેલી અરજી મંજુર થઈ ગઈ છે. જેથી તમારે રૂ.98 હજાર 500ની રકમ ભરવાનું જણાવી બેંક ડિટેલ આપી હતી. જેથી કિરીટભાઈએ આ રકમ ઓનલાઇન પૈસા જમા કરાવ્યા હતા. બાદમાં કંપનીનો લેટર, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને પૈસા ભરપાઈ કર્યાની ખોટી સ્લીપ ઈમેલ કરી હતી. ત્યારબાદ ફોન કરતા તે નંબર પર ફોન લાગતો ન હતો. જેથી અરજી કરી હતી. કંપની બાબતે તપાસ કરતા આવી કોઈ ડિલરશીપ મંજૂર થઈ ન હોવાનું જાણવા મળ્યું હતુ. આથી કિરીટભાઈએ પોલીસને પોતાની સાથે છેતરપિંડી થયાની અરજી આપી હતી. જે અનુસંધાને સાયબર પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.