શિણાયમાં બંધ મકાનમાંથી 1.35 લાખની તસ્કરી

ગાંધીધામ તાલુકાના શિણાય ગામની સીમમાં આવેલ અંબાજી સોસાયટીના એક બંધ મકાનમાં નિશાચરોએ ખાતર પાડયું હતું. આ બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ તેમાંથી સોના-ચાંદી દાગીના અને રોકડ રકમ એમ કુલ રૂા. 1,35,500ની મતા ઉસેડી નાસી ગયા હતા. શિણાય ગામની સીમમાં આવેલી અંબાજી સોસાયટીના મકાન નંબર 37માં તસ્કરોએ હાથ માર્યો હતો. આ મકાનમાં આઠેક મહિનાથી રહેતા અને સુથારીકામ કરતા સુરેશ સુથાર નામના યુવાને આ બનાવ અંગે આજે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીનો પરિવાર બે દિવસ પહેલાં પોતાના વતન રાપર તાલુકાના અમરાપર ગામે ગયો હતો અને આ યુવાન ગઇકાલે બપોરે પોતાના આ ઘરને તાળાં મારી પોતે પણ પોતાના વતન ગયા હતા. દરમ્યાન, આજે સવારે આઠેક વાગ્યે તેમના પડોશમાં રહેતા રાહુલ ચૌહાણે ફોન કરી તેમના ઘરના તાળાં તૂટેલા હોવાની જાણ કરી હતી. પોલીસે આ બનાવ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બંધ મકાનના મુખ્ય દરવાજાના તાળાં તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા અને અંદર તમામ સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. બાદમાં પેટીપલંગમાં રાખેલ થેલો શોધી લીધો હતો. આ થેલામાંથી 3 ગ્રામની સોનાની બુટ્ટી, 5 ગ્રામની સોનાની વીંટી, 6 ગ્રામની સોનાની બુટ્ટી, 3 ગ્રામની સોનાની બુટ્ટી, સોનાના ત્રણ દાણા, 500 ગ્રામના ચાંદીના સાંકળા, 300 ગ્રામના ચાંદીના સાંકળા, ચાંદીના તૂટેલ ટુકડા તથા રોકડા રૂા. 2500 એમ કુલ રૂ.1,35,500ની મતાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. શિણાયની સીમમાં આવેલી આ સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.