સાલખડા ગામની સીમ વાડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી, આથો પકડાયો

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને ચોટીલા વિસ્તારમાં હોવા દરમિયાન દેશીદારૂ અંગે બાતમી મળી હતી. આથી સાલખડા ગામની સીમવાડીમાં દરોડો પાડતા દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આથી દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો સહિત મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ફરાર આરોપી સામે નાનીમોલડી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી દેશી અને વિદેશી દારૂની બદીને નેસ્તોનાબૂદ કરવાની જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી. જેને લઇ એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીના માર્ગદર્શનમાં ટીમે તજવીજ હાથ ધરી હતી. એલસીબી પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ વાજસુરભા, જુવાનસિંહ, ઋતુરાજસિંહ સહિત ટીમ ચોટીલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન દેશી દારૂ અંગે બાતમી મળી હતી. આથી સાલખડા ગામની પાછળ મહાણિયા વોકળા પાસે દનકુભાઇની વાડીમાં દરોડો કરાયો હતો. જ્યાં પડતર ખરાબામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવી હતી. આથી 200 લીટર દેશી દારૂ, 1800 લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.7,600નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે શિવકુભાઇ દડુભાઇ જળુ (રહે. સાખલડા) અને તપાસમાં નામ ખુલે તેમની સામે નાની મોલડી પોલીસ સ્ટેશને દારૂ અંગે ગુનો નોંધાવાયો હતો.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.