જામનગરના વિકાસગૃહ રોડ પર બે દુકાનમાં તસ્કરો રૂ.1.46 લાખનો મુદ્દામાલની તસ્કરી

જામનગરમાં વિકાસગૃહ રોડ પર જગજીવન કોમ્પલેક્ષમાં આવેલ બે દુકાનમાં એકસાથે ત્રાટકેલા તસ્કરો રૂ.1.46 લાખનો મુદ્દામાલ તસ્કરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ દાખલ થઈ છે. બન્ને દુકાનમાંથી ચબરાક તસ્કરો સીસીટીવીનું ડીવીઆર તસ્કરી કરી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. જેની વિગત અનુસાર વિકાસગૃહ રોડ પર જગજીવન કોમ્પલેક્ષમાં આવેલ જે.કે.ફૂડઝોન અને ન્યુ પટેલ સ્વિટ એન્ડ ફરસાણ માર્ટ નામની બન્ને દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. આ બનાવ અંગે પટેલ કોલોની શેરી નં.9માં રહેતાં મીનબહાદુર હીમબહાદુર ખતરીએ સિટી બી પોલીસ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ લખાવી હતી. ગઇકાલના સવારના અરસા દરમિયાન કોઇ તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી લાકડા-લોખંડના ટેબલમાં રાખેલ જુદા-જુદા દરની રૂપિયા એક લાખ વીશ હજારની રોકડ રકમ અને સીસીટીવીનું ડીવીઆર હાથવગું કરી તસ્કરી કરી ગયા હતાં. આ ઉપરાંત બાજુમાં આવેલ કેવલ વિનોદભાઇ કંસારાની ન્યુ પટેલ સ્વિટ એન્ડ ફરસાણ માર્ટ નામની દુકાનમાંથી નવ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન, રૂપિયા ચાર હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ ટેબલના કાઉન્ટરમાંથી રૂપિયા નવ હજારની રોકડ રકમ તસ્કરી કરી ગયા હતાં. આ બનાવ અંગે મીનબહાદુર ખતરીએ સિટી બી ડિવિઝન પોલીસ દફતરમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એસ.એમ.રાદડિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.