ગાંધીધામમાં ગોદામની આડમાં વેચાતો શરાબ ઝડપાયો

ગાંધીધામ શહેરનાં ચાવલા ચોક પાસે એસ.ડી.એક્સ. નોર્થ વિસ્તારમાં ગોદામની આડમાં શરાબ વેચતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઈસમ પાસેથી દારૂની 8 બોટલ કબ્જે કરવામાં આવી હતી. શહેરનાં ચાવલા ચોક પાસે ડી.બી.ઝેડ. સાઉથમાં રહેનારો નરેશ હરિરામ આસનાની (સિંધી) નામનો ઈસમ એસ.ડી. એકસ. નોર્થ-5માં બજરંગી એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવે છે. જેનું ગોદામ પણ ત્યાં જ છે. આ ગોદામમાં દારૂ વેચાતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બપોરના અરસામાં અહીં દરોડો પાડ્યો હતો. આ ગોદામની તલાશી લેવાતાં તેમાંથી દારૂ મળી આવ્યો હતો. રિઝર્વ-7 રેર વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા માર્કાવાળી 750 એમ.એલ.ની 8 બોટલ પોલીસે અહીંથી કબ્જે કરી હતી અને આ દુકાનદારની અટક કરી હતી. પરંતુ ગોવાનો આ શરાબ અહીં કોણ આપી ગયું હતું અને કેવી રીતે આવ્યો તે પોલીસની તપાસ દરમ્યાન બહાર આવ્યું ન હોતું.