ભુજમાં આંકડા લેતા નિવૃત્ત પોલીસનો પુત્ર દશ હજાર રોકડ સાથે પકડાયો

ભુજ જિલ્લાના આ મુખ્ય મથકે વધેલા તસ્કરીના બનાવો અને નબળી ગુનાશોધન કાર્યવાહી અન્વયે જૂના અને અનુભવી સ્ટાફને પુન: નિયુકત કરાયા બાદ આ સ્ટાફે એકશન મોડમાં આવીને કાર્યવાહી આરંભી છે. એકબાજુ ચોમેર ફેલાયેલી આંકડાના જુગારની બદી અનુસંધાને ઝુબેર દાઉદ ચાનિયા નામના નિવૃત્ત પોલીસપુત્રને ઝડપીને ગુણવત્તાસભર કેસ કરાયો હતો. તો બીજીબાજુ મિરજાપર રોડ ઉપરથી સ્કૂટી મોપેડની ચોરી કરનારા ભુજના જયનગરમાં રહેતા પ્રતીક દીપક સોલગામા (સુથાર)ને પણ ચોરાઉ દ્વિચક્રી સાથે ઝડપી લીધો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ શહેરમાં સોનીવાડ વિસ્તારમાં દરોડો પાડી આંકડાનું બાકિંગ લઇ રહેલા સંજોગનગરમાં રહેતા ઝુબેર દાઉદ ચાનિયાને ઝડપી લીધો હતો અને તેના કબ્જામાંથી રૂ.10,200 રોકડા અને રૂ.પાંચ હજારનો મોબાઇલ ફોન જપ્ત કરાયા હતા. જ્યારે અન્ય એક કાર્યવાહીમાં થોડા દિવસો પહેલાં ભગવતી હાઇવે હોટલ પાસેથી ટી.વી.એસ. સ્કૂટીની ચોરી કરનારા ભુજના પ્રતીક સોલગામાને ઝડપી તેની પાસેથી આ ચોરાઉ વાહન જપ્ત કરાયું હતું. એ. ડિવિઝન ઇન્સ્પેકટર એ.સી. પટેલના માર્ગદર્શન તળે બન્ને દરોડાની કાર્યવાહીમાં સહાયક ફોજદાર ઝાહિદ મોહમદ મલેક અને કરણસિંહ પી. ઝાલા તથા હે.કો. મહિપાલસિંહ એન. જાડેજા, કોન્સ. ઉર્વશીબેન રાજગોર વગેરે જોડાયા હતા.