શંકાસ્પદ 140 લીટર પેટ્રોલ કારમાં લઈ જતો એક ઈસમ પકડાયો

ગાંધીધામ,પુર્વ કચ્છના સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા અંજારના શાંતીધામ પાસે પસાર થતી શંકાસ્પદ કારને થોભાવીને તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ 140 લીટર પેટ્રોલનો જથ્થો મળી આવ્યો હતો. જેનો કબ્જેદાર તે અંગે કોઇ દસ્તાવેજ પ્રસ્તૃત ન કરી શકતા સામાન, કાર્ગો સહિતની સામગ્રી કબ્જે કરાઈ હતી. પુર્વ કચ્છની એસઓજીએ બાતમીના આધારે અંજાર શાંતીધામ વિસ્તારમાં આવેલા અંબિકાનગરના બગીચા સામે કાચા રસ્તા પાસે ઉભેલી કારમાં તપાસ કરી હતી. જેમાંથી 35 લીટરની ક્ષમતા વાળા ચાર કેરબાઓ મળી આવ્યા હતા. જેમાં કુલ 140 લીટર પેટ્રોલ ભરેલું હતું. આ મુદામાલ અંગે બીલ કે આધાર પુરાવા માંગતા આરોપી જલાલુદિન હુશેનભાઈ જીએજા (ઉ.વ.32) (રહે. મીઠીરોહર, ગાંધીધામ) કાંઈ રજુ કરી શક્યો નહતો. જેથી કુલ 13,293 રૂપીયા પેટ્રોલ, એક કાર, રોકડ 5500 અને એક મોબાઈલ ફોન ગણીને કુલ 1,63,793 ના મુદામાલ સાથે ઈસમને એસઓજીએ પકડી લીધો હતો. આ કામગીરીમાં પીઆઈ એસ.એસ. દેસાઈ સાથે સ્ટાફ જોડાયો હતો.