પાલનપુરમાં પુષ્પકુંજ સર્જન સોસાયટીમાંથી 1.15 લાખની મત્તાની તસ્કરી કરી

પાલનપુર ધનીયાણા ચોકડી વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સર્જન સોસાયટીમાં રહેતું વૃદ્ધ દંપતી ચાર દિવસ પહેલા અમદાવાદ ખાતે તેમના સાઢુને ત્યાં ગયું હતું. તે દરમિયાન ઇસમો ઘરમાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.15 લાખના મુદ્દામાલની તસ્કરી કરી લઈ ગયા હતા. આ અંગે ફરિયાદ લખાવી હતી. ધનીયાણા ચોકડી વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સર્જન સોસાયટીમાં રહેતા મૂળ અંબાજી મોદી વાસના કમલેશ માતાદીન ચૌધરી  તેમની પત્ની કુસુમબેન સાથે ચાર દિવસ પહેલા અમદાવાદ ખાતે તેમના સાઢુને ત્યાં ગયા હતા. તે દરમિયાન કોઈ ઇસમો ઘરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી તિજોરી અને કબાટના તાળા તોડી રોકડ રકમ 50,000, રૂપિયા 35,000 ના ચાંદીના પગના ઝાંઝર, સિક્કા 500 ગ્રામ, રૂપિયા 30,000ની સોનાની બુટ્ટી, ચુની 10 ગ્રામ મળી કુલ રૂપિયા 1,15,000 ના મુદ્દામાલની તસ્કરી કરી લઈ ગયા હતા. તસ્કરી થઇ હોવાની જાણ થતાં કમલેશભાઈએ આ અંગે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી.પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.