સુખપરમાં બંધ મકાનનો નકૂચો તોડી 2.60 લાખની માલમતાની તસ્કરી

ભુજ તાલુકાના સુખપર ગામે નિલેશ મનસુખલાલ મહેતાના બંધ મકાનનો નકુચો તોડીને કોઇ હરામખોરો રૂ.2.60 લાખની માલમતાની તસ્કરી કરી જતા પોલીસ દોડધામમાં પડી ગઇ છે. સુખપરમાં ઘનશ્યામ નગર ખાતે રહેતા અને ચાની હોટલ ધરાવતા નિલેશ મહેતા તેમના પત્નીની પ્રસુતિ અન્વયે દવાખાને ગયા હતા. ત્યારે ગતરાત્રિના અરસામાં દરમ્યાન પાછળથી તેમનું બંધ મકાન તસ્કરોનું નિશાન બન્યું હતું. પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકીને આ વિગતો આપતા જણાવ્યું હતું કે બંધ મકાનનો નકુચો તોડી ઘરમાં ઘુસેલા તસ્કરો કબાટમાંથી રોકડ અને દાગીના મળી કુલ્લ રૂ.2.60 લાખની માલમતાની તસ્કરી કરી ગયા હતા. બનાવની જાણ થતા માનકુવા પોલીસ સ્થાનિકે ધસી જઇ છાનબીનમાં પરોવાઇ હતી.