અંજારમાં ફરી આંકડો લેતો ઈસમ પકડાયો

અંજારના ગંગા નાકા વિસ્તારમાં કાપડી લોજની નજીક જાહેરમાં આંકડો લેતાં એક ઈસમની પોલીસે અટક કરી હતી. આ ઈસમ પાસેથી રૂ.4,110 કબ્જે કરાયા હતા. અંજારની સ્થાનિક પોલીસ બપોરના અરસામાં પેટ્રોલિંગમાં હતી. તેવામાં લક્ષ્મી ટોકીઝ નજીક ઊભેલો એક ઈસમ લોકોને આંકડો રમાડતો હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. બાતમીવાળી આ જગ્યા ઉપર જતાં પોલીસને આવતી જોઇને એક ઇસમે નાસી જવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. લોકો પાસેથી આંકડો લઇ ડાયરીના પાનામાં તે આંકડા લખનારા દબડા વિસ્તાર ભોલેનાથ નગરમાં રહેતા શિવુભા બાલુભા જાડેજાની પોલીસે અટક કરી હતી અને તેની પાસેથી આંકડા લખેલા પાનાં, પેન તથા રોકડ રૂ.4,110 હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ઈસમ ફોન ઉપર કોને આંકડા લખાવતો હતો તે હજુ બહાર આવ્યું નથી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.