મીઠીરોહર સીમમાંથી બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો

ગાંધીધામ તાલુકાના મીઠીરોહરની સીમમાં લાકડાંના બેન્સા પાસે એક દુકાનમાંથી બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો હતો. લોકોની દવા કરતા આ ઈસમની પોલીસે દવા કરી હતી અને તેની પાસેથી રૂ.4,500 નો મેડિકલને લગતો સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. મીઠીરોહરના સર્વે નંબર 514માં મિત્તલ ટિમ્બર, પટેલ પ્લોટની બાજુમાં શટરવાળી દુકાનમાં બેસતો ઈસમ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની પૂર્વબાતમી પોલીસને મળી હતી. સચોટ અને ભરોસાપાત્ર બાતમીના આધારે પોલીસે આદિપુર અર્બન હોસ્પિટલના સરકારી તબીબ ડો. આદિલ કુરેશીને બોલાવી આ જગ્યા ઉપર દરોડો પાડ્યો હતો. ભૂરા રંગના શટરવાળી આ દુકાનમાં જતાં અહીં એક ઈસમ મેડિકલને લગતા સામાન સાથે બેઠેલો જણાયો હતો. તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ ડો. અચિંતો આતીશકુમાર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું અને પોતે વરસામેડીના શાંતિધામ વિસ્તારમાં સૂર્યાદેવ સોસાયટીમાં રહેતો હોવાની વાત કરી હતી. આ ઈસમ પાસેથી ડોક્ટરની ડિગ્રીની માગણી કરાતાં પોતાની પાસે આવી કોઇ ડિગ્રી ન હોવાનું કહ્યું હતું અને પોતે માત્ર ધો. 8 પાસ હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી. આ ઈસમ તબીબ તરીકે પ્રેક્ટિસ ન કરી શકે તેવો સરકારી તબીબે અભિપ્રાય આપતાં આ બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી હતી. તેની આ દુકાનમાંથી જુદા જુદા દર્દ મટાડવાની દવાઓ, જુદા જુદા ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ, રક્તચાપ માપવાનું મશીન, થર્મોમીટર વગેરે મળીને કુલ રૂ.4,500નો મેડિકલને લગતો સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. આ બોગસ ડોક્ટર અહીં છેલ્લા ત્રણેક મહિનાથી આ ધંધો કરતો હોવાનું બહાર આવ્યું હતું તેવું પોલીસે જણાવ્યું હતું.