શિકારપુર પાસે બે ટ્રેઇલર અથડાતાં એકના ચાલકનું મૃત્યુ

ભચાઉ તાલુકાના શિકારપુર પાસે આગળ જઇ રહેલા ટ્રેઇલરમાં પાછળ આવી રહેલું ટ્રેઇલર અથડાતાં ચાલકનું મૃત્યુ થયું હતું. તો ખલાસીને ગંભીર ઇજાઓ થઈ હોવાની ઘટના સામખિયાળી પોલીસ સ્ટેશને નોંધાઇ છે. ગાંધીધામના અપનાનગરમાં રહેતા અને વંશ લોજિસ્ટિકમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા લતિફભાઇ જહાંગીરભાઇ મણિયારે લખાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર મધરાત્રિના અરસામાં તેમના ટ્રાન્સપોર્ટના ટ્રેઇલર ચાલક વિકાસકુમાર વૃજનંદન યાદવ અને ક્લીનર મનોજકુમાર સાધુભાઇ યાદવ મુન્દ્રાથી મોરબી ટ્રેઇલર લઇને નિકળ્યા હતા. તેઓ શિકારપુર પાસે હાઇવે પર પહોંચ્યા ત્યારે આગળ જઇ રહેલા ટ્રેઇલરમાં તેમનું ટ્રેઇલર અથડાતાં વિકાસકુમાર વૃજનંદન યાદવને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. તો ક્લીનર મનોજકુમારને માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ પગના ભાગે ઇજાઓ થઈ હતી. ચાલકનો મૃતદેહ તેમના વતન બિહાર મોકલવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તો ક્લીનરને સામખિયાળી સારવાર માટે ખસેડાયા હોવાનું તેમણે જણાવી પોતાના જ ટ્રેઇલર ચાલક વિકાસકુમાર વિરુધ્ધ સામખિયાળી પોલીસ સ્ટેશને ગુનો દાખલ થયો હતો. પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.