ગાંધીધામમાં થયેલી ચીલઝડપ તથા ભચાઉ બાઈક તસ્કરીનો ભેદ ઉકેલી લીધો

ગાંધીધામ,આ શહેરમાં બે દિવસ પહેલાં થયેલી ચીલઝડપનો બનાવ પોલીસે ઉકેલી લીધો હતો. બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ હતી. તેમજ ભચાઉની બાઈક તસ્કરીનો ભેદ પણ ઉકેલી લેવામાં આવ્યો હતો. શહેરના રિલાયન્સ મોલની સામે કોર્પોરેટ ઈમારત પાસે જગદીશ હલદાર નામના આધેડના હાથમાંથી રૂ.15,000ના મોબાઈલની ચીલઝડપ કરી ઇસમો નાસી છૂટ્યા હતા. આ બનાવમાં પોલીસે તજવીજ હાથ ધરી આદિપુરમાં રહેતા મેહુલ સામત ડુંગરાણી, સથવારા કોલોનીમાં રહેતા હાર્દિક જગદીશ સથવારા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક ઈસમને ઝડપી લીધો હતો. બનાવમાં ગયેલો મોબાઈલ તથા ઉપયોગમાં લેવાયેલું બાઈક નંબર જીજે 12 ઈએચ 8084 પોલીસે કબ્જે કર્યું હતું. તેમજ પોલીસ વાહન ચેકિંગમાં હતી. તેવામાં ભરતસિંહ પથુભા ગોહિલ બાઈક નંબર જીજે 12 બીએ 8955 લઈને આવતાં તેને રોકાવાયો હતો. આ વાહનના આધાર-પુરાવા મગાતાં આ ઈસમ આપી શક્યો ન હતો. બાદમાં બાઈકના માલિકની શોધખોળ કરાતાં તેના માલિક ભચાઉના બાબુ પાતાભાઈ આયર હોવાનું બહાર આવ્યું હતું તથા રાત્રિના અરસામાં જ બસ સ્ટેન્ડ પાસેથી તેમના આ વાહનની તસ્કરી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઈસમ ભરતસિંહની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.