ગાંધીધામનાં કોર્પોરેટ પાર્ક પાસે મોબાઇલ ઝૂંટવનાર બે ઇસમો ઝડપી પાડ્યા

ગાંધીધામના કોર્પોરેટ પાર્ક પાસે મોબાઇલ ઝૂંટવનાર બે શખ્સોને બી-ડિવિઝન પોલીસે જૂંટવેલા મોબાઇલ અને બાઇક સહિત 60 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકની સંડોવણી ખુલ્લી હતી. આ બાબતે પોલીસે આપેલી વિગતો અનુસાર મુળ પશ્ચિમ બંગાળના હાલે શક્તિનગરમાં રહેતા 58 વર્ષીય જગદિશભાઇ પ્રાણરંજન હલદાર કોર્પોરેટ પાર્ક ખાતે કંપનીની મિટિંગ પૂર્ણ કરી પોણા સાતના અરસામાં પોતાની એક્ટિવા પાસે જઇ રહ્યા હતા. ત્યારે અજાણ્યા નંબર ઉપરથી કોન આવતાં તેમણે ફોન ઉપાડ્યો હતો પણ સામેથી કોઇ અવાજ આવતો ન હતો. તે દરમીયાન જ તેમની પાછળ ઉભેલો એક ઈસમ તેમના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ભાગ્યો હતો. તેઓ એ ઈસમની પાછળ દોડ્યા હતા. પરંતુ થોડે દૂર બાઇક પર સવાર તેના સાગરિત સાથે પલાયન થઇ ગયો હતો. પોતાનો રૂ.15,000 ની કિંમતનો મોબાઇલ છીનવી ચીલઝડપને અંજામ આપનાર બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. આ ફરીયાદ નોંધાયા બાદ અલગ અલગ ટીમ બનાવી બી-ડીવીઝન પોલીસે ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન પીઆઇ.કે.પી.સાગઠીયા અને ટીમે બાતમીના આધારે આ ઘટનાને અંજામ આપનાર મુળ રાપરના હાલે આદિપુર રહેતા મેહુલ સામતભાઇ ડુંગરાણી, સથવારા કોલોનીમાં રહેતા હાર્દિક જગદિશભાઇ સથવારા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકને ચીલઝડપથી મેળવેલા રૂ.15,000 ની કિંમતના મોબાઇલ સાથે ઝડપી પાડી બાઇક સહિત કુલ રૂ.60,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.