ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં મોબાઇલ તસ્કરી કરી વિજાપુરમાં વેચવા આવેલા ઈસમને પોલીસે 7 મોબાઇલ સાથે ઝડપી પાડ્યો

ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઈલની તસ્કરી કર્યા બાદ મહેસાણાના વિજાપુરમાં મોબાઈલ વેચવા ફરતા શખ્સને વિજાપુર પોલીસે બાતમી આધારે પકડી પાડ્યો હતો. પોલીસે મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. વિજાપુર પોલીસ શહેરમાં પેટ્રોલિંગ પર હતી એ દરમિયાન પોલીસને મોબાઈલ તસ્કર અંગે ખાનગી રાહે બાતમી મળી હતી. જેમાં રેલવે ફાટક પાસે ટીબી ત્રણ રસ્તા પર એક શખ્સ બિલ વગરના મોબાઈલ લઈને વેચવા ફરી રહ્યો હતો. પોલીસે તેને પકડી તેની પાસેથી અલગ અલગ કંપનીના કુલ 7 મોબાઇલ જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપી સલાટ ગોપીએ ચાર માસ અગાઉ અલગ અલગ સ્થળે તસ્કરી કરી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે વિજાપુર પોલીસે મોબાઈલ તસ્કરને પકડી તેની વિરુદ્ધ તજવીજ હાથ ધરી છે.