જતવાંઢ ઝુરાનો શખ્સ ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપાયો

ભુજ તાલુકાના જતવાંઢ (ઝુરા) ગામના રહેવાસી ગુલામ રમજુ જત નામના 37 વર્ષીય યુવાનને પોલીસે ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ ઝુંબેશ તળે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. જેમાં જતવાંઢ ગામે ક્રિકેટના મેદાન નજીક બાવળોની ઝાડીઓ વચ્ચેથી ગુલામ જતને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી દેશી બનાવટની બંદૂક અને એક મોબાઇલ ફોન તથા રૂ.100 રોકડા જપ્ત કરાયા હતા. કાર્યકારી ઇન્સ્પેકટર એ.આર. ઝાલા સાથે એસ.ઓ.જી. સ્ટાફના સભ્યો કાર્યવાહીમાં જોડાયા હતા.