રાજકોટ સહિત છ જિલ્લાની ઘરફોડીમાં ફરાર શખ્સ ઝડપાયો

ગોંડલ, મહેસાણાના ઊંઝા ખાતે ઘરફોડ તસ્કરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા-ફરતા શખ્સને એલસીબી પોલીસે ગોંડલની ગોમટા ચોકડીએથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ શખ્સએ રાજકોટ સહિત અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને મહેસાણામાં હાથ અજમાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામનો વસાવડ તેમજ મોટી ખીલોરી અને ગુંદાળા ચોકડીએ ઝૂંપડપટ્ટીમાં રહેતો વિક્રમ ઉર્ફે ભાજક ઉર્ફે રમેશ વલ્લભભાઈ ચારોલીયાને એલસીબી પોલીસના પી.આઇ ગોહિલ, પી.એસ.આઇ રાણા, એ.એસ.આઈ મહેશભાઈ જાની, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, બાલ કૃષ્ણભાઈ ત્રિવેદી તેમજ પ્રહલાદ સિંહ રાઠોડ સહિતનાઓએ પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત શખ્સ વિરુદ્ધ રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ૨૦ જેટલી ઘરફોડ તસ્કરીના ગુનાઓ નોંધાયેલા છે તેમજ મહેસાણા જિલ્લાના ઉંઝા ગામે ઘરફોડ તસ્કરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો હતો. આ ઉપરાંત ઉપરોક્ત પોલીસે ટીમે તાલુકાના બાંદ્રા ગામે રહેતો રાહુલ પરસોતમભાઈ ઘોણીયાને ચોરી છળકપટથી મેળવેલ હીરો હોન્ડા બાઈક કિંમત રૂ.15,000 સાથે પકડી પાડી તેની પણ કાર્યવાહી હાથ ધરી હતી.