ચોપડવાની વાડીમાંથી 82 હજારના અંગ્રેજી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

ભચાઉ તાલુકાના ચોપડવા ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી રૂ.82,000ના દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પરંતુ દારૂ મંગાવનારા બે મુખ્ય આરોપી પોલીસના હાથમાં આવ્યા નહોતા. ચોપડવાથી ગુણાતીતપુર તરફ જતા રસ્તાની કેનાલથી આગળ જમણી બાજુએ આવેલ અરવિંદસિંહ ઝાલાની વાડીમાં દારૂ ઉતર્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી. આ વાડીમાં આવેલી ઓરડીનો દરવાજો ખખડાવતા તેમાંથી મૂળ પાટણ સાંતલપુરનો મેરામણ મલુ ઠાકોર બહાર આવ્યો હતો. આ ઈસમને પકડી ઓરડીની ઝડતી લેવામાં આવી હતી. અહીં જીવન જરૂરીયાતની વસ્તુઓ સાથે કાગળના પુંઠાના બોક્સ ગોઠવાયેલા દેખાઇ આવ્યા હતા.આ ઓરડીમાંથી રોયલ ચેલેન્જ પ્રિમિયમ વ્હીસ્કી 750 એમ.એલ.ની 73 બોટલ, માસ્ટર બ્લેન્ડર્સ સિગ્નેચર રેટની 22 બોટલ, મેમ્ડોવેલ્સ નંબર-1ની 750 એમ.એલ.ની 48 બોટલ એમ 143 બોટલ તથા હેવડર્સ 5000 બિયરનાં 80 ટીન એમ કુલ્લ રૂ.82,000 નો દારૂનો જથ્થો કબ્જે કરી ઓરડીમાં હાજર મેરામણની અટક કરવામાં આવી હતી. પરંતુ વાડી માલિક નવી મોટી ચીરઇનો અરવિંદસિંહ પરબતસિંહ ઝાલા તથા જુની મોટી ચીરઇનો મહેશ દેવા ભરવાડ નામના ઇસમો હાજર ન હોવાથી પોલીસની પકડમાં આવ્યા નહોતા. હાથમાં ન આવેલા આ ઇસમોને પકડક્ષ પાડવા પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે આ બંને પકડાય બાદમાં આ દારૂ કયાંથી આવ્યો હતો અને મોકલનાર કોણ છે તે બહાર આવે તેમ છે.’