ગાંધીધામમાં મેડિકલની આડમાં ગાંજો વેચતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો
ગાંધીધામ, શહેરના સુંદરપુરી પાણીના ટાંકા પાસે મેડિકલ સ્ટોરમાંથી પોલીસે રૂ.11,800નો ગાંજો કબ્જે કર્યો હતો. દવાઓની સાથે ગાંજો વેચતા ઈસમની અટક કરવામાં આવી હતી. શહેરના સુંદરપુરી પાણીના ટાંકાની સામે ભારતનગર જવાના રસ્તે આવેલા જય અંબે મેડિકલ સ્ટોરમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. શહેરના 9-બી જય સંતોષી સોસાયટીમાં રહેનાર નરેશ ધરમશી મકવાણા નામનો ઈસમ અહીં ગાંજો વેચતો હોવાની સચોટ, ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. સરકારી પંચો સાથે પહોંચેલી પોલીસે આ મેડિકલમાં બેઠેલા નરેશ ધરમશી મકવાણા નામના આધેડને ઝડપી લીધો હતો. આ દુકાનમાં મેડિકલને લગતો સામાન મળી આવ્યો હતો. નીચે પડેલા લાલ રંગના પ્લાસ્ટિકના આઇસ બોક્સની તપાસ કરવામાં આવી હતી. આ બોક્સમાંથી પ્લાસ્ટિકનું એક ઝબલું મળી આવ્યું હતું. તેમાં લાલ રંગના વનસ્પતિજન્ય પાંદડા, ફૂલ, બી સાથેના ડાળખાં જોવા મળ્યા હતા. મેડિકલ ચલાવતા નરેશને પૂછતાં આ ગાંજો હોવાનું જણાવ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતાં તે ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું.આ જય અંબે મેડિકલ સ્ટોરમાંથી રૂ.11,800 નો 1180 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી આ ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. આ દુકાનના આધાર માગતાં તેણે પોલીસને મકવાણા દીપક ગોપાલભાઇ નામનું લાઇટબિલ આપ્યું હતું. આ લાઇટબીલ પોલીસે જપ્ત કર્યું હતું. આ ઇસમે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લીધો અને અહીં કોને કોને વેચતો હતો તે સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.