લાકડિયા-શિવલખા વચ્ચેથી થયેલી 94 હજારની તસ્કરીમાં બે ઈસમ પકડાયા
ભચાઉ તાલુકાના લાકડિયા અને શિવલખા વચ્ચે ખાનગી કંપનીના ટાવર નજીકથી રૂ.94,300 ની મતાની તસ્કરી થઇ હતી. બે દિવસ અગાઉ થયેલી આ તસ્કરીનો ભેદ ઉકેલી પોલીસે બે ઇસમોની ધરપકડ કરી હતી તથા તસ્કરીમાં ગયેલો તમામ મુદ્દામાલ પરત મેળવ્યો હતો. લાકડિયા અને શિવલખા વચ્ચે રસ્તા નજીક આવેલા ટાવર નંબર એલ.ઓ. 26-0માંથી ગતરાત્રિના અરસામાં તસ્કરીનો બનાવ બન્યો હતો. એલ. એન્ડ ટી. કન્સ્ટ્રક્શન કંપનીને અદાણીની ડબલ્યુઆરએસએસ એક્સએક્સઆઇ (એ) ટ્રાન્સકો લિમિટેડ 400 કે.પી. ભચાઉ ઇ.પી.જી.એલ. ટ્રાન્સમિશન લાઇનમાં ટાવર લાઇનનું કામ મળ્યું છે. જેનું કામ હાલમાં શિવલખા અને લાકડિયા વચ્ચે ચાલી રહ્યું છે. ભચાઉના ગોદામથી માલ ઉપાડી આ ટાવરની નજીક મૂકવામાં આવતો હતો અને બાદમાં ત્યાં કામને આગળ વધારવાનું આવતું હતું. આ એલ.ઓ. 26-0વાળા ટાવર પાસે ગત તા. 23-2ના સામાન મૂકવામાં આવ્યો હતો. ત્યાં તા. 26/2ના કોફી રંગની બોલેરો કેમ્પર નંબર જી.જે. 12-સી.જી.1630માં બે ઇસમો આવી અહીંથી સ્ટીલના આર્મર રોડ બંડલ નંગ-14, એલ્યુનિયમના આર્કિંગ હોર્ન નંગ-4, એલ્યુનિયમના ટ્રીંગુલર ચોક પ્લેટ નંગ-1, એલ્યુનિયમના ડી. શેકલ નંગ-7, લોખંડનો ઝેક, ગેલ્વેનાઇઝના અલગ અલગ પ્રકારના એંગલ નંગ-21, ગેલ્વેનાઇઝના નટ બોલ્ટની 50 કિલોની એક બોરી એમ કુલ્લ રૂ.94,300ની મતાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે પ્રજ્ઞાનંદ સુશીલ શાહે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી ભચાઉ તાલુકાના વસટવાના બળુભા ઉર્ફે બડુભા ચનુભા જાડેજા અને સહદેવસિંહ જાલમસિંહ જાડેજા નામના ઇસમોની અટક કરી હતી. આ ઇસમો પાસેથી તસ્કરીમાં ગયેલો તમામ મુદ્દામાલ તથા બનાવમાં વપરાયેલી બોલેરા જીપ હસ્તગત કરવામાં આવી હતી તેવું પોલીસે જણાવ્યું હતું.